HomeNEWSWORLD NEWSરશિયાના વિદેશમંત્રીને વડાપ્રધાન મોદીએ કહ્યું શાંતિના પ્રયાસોમાં ભારત રશિયા સાથે રહેશે

રશિયાના વિદેશમંત્રીને વડાપ્રધાન મોદીએ કહ્યું શાંતિના પ્રયાસોમાં ભારત રશિયા સાથે રહેશે

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. પીએમઓએ જણાવ્યું કે, મીટિંગ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી લાવરોવે વડાપ્રધાન મોદીને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી આપી.

આ સિવાય લાવરોવે બંને દેશો (યુક્રેન અને રશિયા) વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વિશે પણ જણાવ્યું. પીએમ મોદીએ યુદ્ધના વહેલા અંત માટેના તેમના આહ્વાનનો પુનરુચ્ચાર કર્યો અને શાંતિના પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી. પીએમઓએ કહ્યું કે રશિયન વિદેશ પ્રધાન લાવરોવે પણ પીએમ મોદીને ડિસેમ્બર ૨૦૨૧માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયોની પ્રગતિ વિશે અપડેટ કર્યું. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધી જેટલી પણ શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે તેમના સમકક્ષ એસ જયશંકર સાથેની વાતચીત દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતના વલણની પ્રશંસા કરી હતી. જયશંકર અને લાવરોવ વચ્ચેની આ બેઠક એવા સમયમાં થઈ જ્યારે અમેરિકાએ ચેતવણી આપી હતી કે રશિયા વિરુદ્ધ યુએસ પ્રતિબંધોમાં અવરોધ ઉભા કરનાર દેશોને પરિણામ ભોગવવા પડશે.

ભારત અને રશિયા વચ્ચે આ ઉચ્ચસ્તરીય બેઠક એવા સંકેતોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી કે, જેમાં ભારત દ્વારા રશિયા પાસેથી વિશાળ ડિસ્કાઉન્ટમાં મોટા જથ્થામાં તેલ ખરીદવાની શક્યતાઓ અને દ્વિપક્ષીય વેપાર માટે રૂપિયા-રુબલ વિનિમય વ્યવસ્થા સામે આવી હતી. તે જ સમયે, જયશંકરે કહ્યું હતું કે આજે અમારી બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિમાં યોજાઈ રહી છે અને ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મતભેદો અથવા વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular