HomeNEWSWORLD NEWSસ્વિટ્ઝર્લેન્ડમાં સુસાઇડ મશીનને મંજૂરી, માત્ર એક જ મિનિટમાં કોઈપણ પીડા વગર મળશે...

સ્વિટ્ઝર્લેન્ડમાં સુસાઇડ મશીનને મંજૂરી, માત્ર એક જ મિનિટમાં કોઈપણ પીડા વગર મળશે મોત

સ્વિટ્ઝર્લેન્ડ સરકારે સુસાઇડ મશીનને કાયદાકીય રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ મશીન બનાવનાર કંપનીએ દાવો કર્યો છે કે આ મશીનમાં કોઈપણ વ્યક્તિનું એક જ મિનિટમાં સહેજ પણ પીડા ભોગવ્યા વગર મોત થઈ શકે છે. આ મશીન કોફિન આકારનું બનાવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા ઓક્સિજન લેવલ એકદમ ઘટાડી દેવામાં આવે છે, જેને કારણે વ્યક્તિનું એક જ મિનિટમાં મોત થઈ જાય છે.

એક્ઝિટ ઈન્ટરનેશનલ નામની સંસ્થાના ડિરેક્ટર ડૉ. ફિલિપ નિટ્સ્કેએ આ મોતનું મશીન બનાવ્યું છે, એથી હવે તેમને ડૉ. ડેથના નામે પણ ઓળખવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છા મૃત્યુને માન્યતા આપવામાં આવેલી છે. એક્ઝિટ ઈન્ટરનેશનલનો દાવો છે કે ગયા વર્ષે સ્વિટ્ઝર્લેન્ડમાં 1,300 લોકોએ બીજાની મદદથી આત્મહત્યા કરી હતી.

સંસ્થાના જણાવ્યા પ્રમાણે, આ મશીન એ લોકો માટે બનાવવામાં આવ્યું છે, જે લોકો ગંભીર બીમારીથી પીડાય છે અને હલી પણ નથી શકતા. બ્રિટિશ વેબસાઈટ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ પ્રમાણે, આ મશીનને અંદરથી પણ ઓપરેટ કરી શકાય છે. બીમાર વ્યક્તિ મશીનની અંદરથી આંખનો પલકારો કરીને આ મશીન ઓપરેટ કરી શકે છે. આ મશીનમાં બાયોડિગ્રેડેબલ કેપ્સ્યૂલ લગાવવામાં આવી છે, જેનો કોફિન તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ મશીનને Sarco નામ આપવામાં આવ્યું છે અને અત્યારે એનું પ્રોટોટાઈમ રજૂ કરવામાં આવ્યું છે. ડૉ. નિટ્સ્કેએ જણાવ્યું હતું કે જો બધું બરાબર રહેશે તો આગામી એક વર્ષમાં આ મશીન લોન્ચ કરી દેવામાં આવશે. સંસ્થાએ આ અત્યારસુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ ગણાવ્યો છે. જોકે આવું મશીન બનાવવા માટે ડૉ. નિટ્સ્કેની નિંદા પણ કરવામાં આવી રહી છે. બ્રિટિશ વેબસાઈટ ઈન્ડિપેન્ડેન્ટે જણાવ્યું છે કે અમુક લોકોએ મશીનના ઉપયોગ કરવાની પદ્ધતિ સામે સવાલ ઊભા કર્યા છે. લોકોનું કહેવું છે કે આ ખૂબ જોખમી ગેસ ચેમ્બર છે. જ્યારે અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે આ મશીન લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરશે.

હાલ મશીનના બે પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યા છે. ત્રીજા મશીનનું પણ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે અને આવતા એક વર્ષમાં એ તૈયાર થઈ જવાની શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular