લક્ષ્ય

સીડિયાં ઉન્હેં મુબારક હો જિન્હેં સિર્ફ છત તક જાના હૈ,
મેરી મંઝિલ તો આસમાન હૈ, રાસ્તા મુઝે ખુદ બનાના હૈ.


જયારે આવી ખુમારી જીવનમાં હોય ત્યારે જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું હોય તે મેળવી શકાય છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. તેમ જીવનમાં પણ પરિવર્તન લાવવા માટે લક્ષ્ય હોવું બહુ જરૂરી છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. તે સંઘર્ષ કર્યા પછી મંઝિલ મળે ત્યારે જીવન જીવવાની મઝા આવે છે. તેથી તો કહે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં સ્વપ્ન જોવાં જોઈએ; ત્યારે તો દુનિયામાં રોનક આવે છે. માનવ જીવન મળ્યું છે તો તેને સફળ બનાવવા જીવનમાં ગોલ હોવો જોઈએ; નહીંતર જીવન બોજા રૂપ બની જાય છે.
માનવજન્મ બધામાં શ્રેષ્ઠ મનાય છે. માણસને વાચા અને વિચાર કરવાની શક્તિ બંને મળ્યા છે. તેથી પૃથ્વી ઉપર માનવ સર્વોપરી છે. માણસ ખૂબ જ હોંશિયાર પ્રાણી હોવાથી તેણે નવી નવી ઘણી શોધો કરીને જીવન ખુબ સુખસગવડવાળું બનાવ્યું છે. આ બધાં કારણોને લીધે, માણસને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા, કંઈક લક્ષ્ય હોય છે. તેને લીધે ઘણી શોધો થઇ છે. પણ આ માટે, જેણે શોધો કરી તેમને ખૂબ ભોગ આપવો પડ્યો છે; ખૂબ મહેનત કરવી પડી છે. તેના ફળ ઘણા સુંદર મળ્યા છે. આજનો માણસ જીવનમાં પ્રગતિ કરવા માંગે છે; પોતાનાં સ્વપ્ન સાકાર કરવા ચાહે છે; અને જીવનમાં ધનવૈભવ અને ખ્યાતિ મેળવવા માંગે છે. આજે તો માબાપ બાળકોને નાનપણથી જ તે માટે તૈયાર કરતા હોય છે.

GUJARAT NEWSLINE
લક્ષ્યના સંદર્ભમાં મહાભારતમાં બે જ્વલંત ઉદાહરણો છે તે અત્રે ટૂંકમાં જ વર્ણવીશ :

ગુરુ દ્રોણાચાર્ય પાસે પાંડવો ધનુર્વિદ્યા શીખતા હતા તે વખતે શિષ્યોની પરીક્ષા લેવા માટે ગુરુજીએ શિષ્યોને દૂર વૃક્ષ પર લટકાવેલા નકલી પક્ષીની આંખ વિધી નાંખવા કહ્યું. ગુરુજીએ શિષ્યોને પૂછ્યું કે વૃક્ષ પર તમને શું દેખાય છે?અર્જુન સિવાયના ચારે પાંડવોએ કહ્યું કે તેમને ડાળીઓ અને પાંડદાં દેખાય છે અને તેઓ પક્ષીની આંખ ન વીંધી શક્યા. પણ અર્જુને કહ્યું કે મને ફક્ત પક્ષીની આંખ જ દેખાય છે અને તે પક્ષીની આંખ વીંધી શક્યો. આ ઉપરથી સાબિત થાય છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં એકાગ્રતા મહત્વનો ભાગ ભજવે છે.

એકલવ્ય નામના એક યુવકે ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ તેમના શિષ્ય થવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુએ કહ્યું કે તે હલકી જાતિનો હોવાથી તેઓ તેને શિષ્ય તરીકે નહિ સ્વીકારી શકે. પણ એકલવ્યને તો દ્રોણાચાર્ય જ ગુરુ તરીકે જોયતા હતા. તેથી તેણે દ્રોણાચાર્યનું માટીનું પુતળું બનાવી તેની સમક્ષ એકચિત્તે સાધના કરવા લાગ્યો અને ધનુર્વિદ્યામાં નિપુણ થઇ ગયો. આ ઉપરથી એ સાબિત થાય છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રબળ ઈચ્છા અને અથાક પરિશ્રમ ખુબ જ મહત્વનાં છે.
જે જે લોકોએ નવી નવી શોધખોળો કરી છે અથવા અન્ય ક્ષેત્રોમાં સફળ થયા છે અને માનવીની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તે બધાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પૈસાનો અને સુવિધાઓનો અભાવ હતો અને સમાજનો વિરોધ હતો. પહેલાંનો સમાજ બહુ રૂઢિચુસ્ત હતો. તેથી બહુ તકલીફ પડતી હતી. તો પણ તેઓએ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ જ છે. પછી તે ગેલીલીઓ હોય કે ન્યૂટન, એડિસન, આર્કીમીડીઝ વગેરે હોય. બિરલા અને ટાટાએ પણ ખુબ ગરીબીમાંથી તેમની જિંદગીની શરૂઆત કરી હતી અને આજે તેઓ મોટા મોટા આર્થિક અને ઔદ્યોગિક સામ્રાજ્યોના માલિક છે.
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રથમ તો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. રસ્તો સાચો પસંદ કરવો જોઈએ. સકારાત્મક ભાવથી કાર્યારંભ કરવો જોઈએ. જે કામ કરીએ તે આનંદપૂર્વક કરવું જોઈએ.
બીજું, જ્યાં સુધી લક્ષ્ય સ્થળ સુધી પહોંચો નહિ ત્યાં સુધી ઝંપીને બેસવું જોઈએ નહિ. આનું ઉત્તમ ઉદાહરણ કરોળિયાનું છે. કરોળિયો ગમે તેટલી વાર પછડાય પણ દરેક વખત તે તરત જ પાછો ઉભો થઇ તેની જાળ બનાવવામાં કાર્યરત થઇ જાય છે. આપણે પણ ખૂબ મહેનત કરવાની તૈયારી સાથે જ કામ શરુ કરવું જોઈએ. જીવનમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અનેક ચુનોતીઓનો સામનો કરવો પડે છે. જીવનમાં સફળતા સહેલાઈથી મળતી નથી.
પોતાની શારીરિક તથા માનસિક શક્તિ પ્રમાણે લક્ષ્ય પસંદ કરવું જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મનમાં જરા પણ દુવિધા ન હોવી જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરતા પહેલાં મુશ્કેલીઓ આવે ત્યારે હીંમત રાખવી જોઈએ. કોઈએ કહ્યું છે ને કે,


હીંમત મત હાર…. સમંદરકી ગહેરાઈમેં મોતી મિલતે હૈ,
અંધેરી રાતો મેં જાકર હી…. ચાંદ ઔર સિતારે મિલતે હૈ,
ખુલેગી તેરી ભી કિસ્મત એક દિન…. ઓ ઇન્સાન
કી પતઝડકે બાદ હી જીવનમેં ફુલ ખીલતે હૈ!]


પોતાની જાત ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ઘણાને તો લક્ષ્ય મેળવવું હોય, પણ તે કેવી રીતે મેળવવું તે જ ખબર નથી હોતી અને તેઓ ભટકી જાય છે.
જે પણ કામ કરીએ તે પૂરી નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કરવું જોઈએ, પછી તે કામ ચપરાસીનું હોય કે મેનેજરનું. નાના નાના લક્ષ્યો પાર કરવાથી મંઝિલે પહોંચવાનું સરળ બની જાય છે.
જયારે મિત્રો કે સગાવહાલાં જીવનમાં આગળ નીકળી જાય છે ત્યારે માણસ બહાના શોધે છે; જેમ કે મારું નસીબ ખરાબ છે અથવા નસીબ સાથ આપતું નથી, મારી પાસે પૈસા નથી, મારી તબિયત સારી રહેતી નથી, વગેરે. પણ ખરેખર આવું કશું હોતું નથી. પોતાની પ્રબળ ઈચ્છા અને સખત મહેનત કરવાની ધગશ હોય તો કોઈ પણ પરિસ્તિથીમાં આગળ વધી શકાય છે. આનું એક ખુબ જ સુંદર ઉદાહરણ છે અરૂણિમા સિન્હાનું. તેની કહાની બહુ દર્દનાક છે. પણ તેને પરિસ્થિતિને પોતાની ઉન્નતિના લાભમાં ફેરવી નાંખી અને પોતાનું તેમ જ દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. આજે તે બધા માટે પ્રેરણાદાયક બની ગઈ છે. તેની કહાની એવી છે કે, એક વખત ટ્રેનમાં ગુંડાઓએ તેની પાસે જે પૈસા હતા તે લૂંટી લીધા અને ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દીધી. તે પછીની કહાની ખૂબ જ દર્દનાક છે. ઘણા વખત પછી કોઈએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. તેના બંને પગ કાપવા પડ્યા. તેની કરોડરજ્જુમાં ઘણા ફ્રેક્ચર થયા હતા. આ બધામાંથી સ્વસ્થ થતાં તેને ઘણો સમય લાગ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે તો હું પર્વતારોહણ જ કરીશ અને તેમાં પ્રવીણતા મેળવીશ. અને ખૂબ જ મહેનત કરીને અને અનહદ શારીરિક પીડા સહન કરીને તેણે આ ક્ષેત્રમાં પ્રવીણતા મેળવી અને દુનિયાના ઘણા પર્વતોનાં શિખરો સર કર્યા. અરૂણિમા સિંહા પર્વતારોહણ કરનારી એક એવી સ્ત્રી છે જેને બંને પગ નથી. તે ઉપરાંત તે રાષ્ટ્રીય વોલીબોલ પ્લેયર પણ છે. આમ તેણે બતાવી આપ્યું કે ગમે તેવી મુશ્કેલીથી પણ તે ડરે તેમ નથી. તેના માટે તો શ્રી નરેન્દ્ર મોદીની કવિતા એકદમ અનુરૂપ છે:


પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં.
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાંહળાંનો મોહતાજ નથી.
મને મારું અજવાળું પૂરતું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular